Archive for જુલાઇ, 2010

છે રાજકારણ……


છે રાજકારણ……
આ રચનામાં મે આજનાં રાજકારણ વિશે લખવાનો પ્રયાસ કર્યો છે,
જેમાં જુનાં નેતાઓ નવી પેઢીનાં નેતાઓને શું શીખવે છે,
તેઓને વારસામાં શું આપે છે તે દર્શાવી આજની નાજુક સ્થીતી ને આલેખવાનો પ્રયાસ કર્યો છે.
એજ આશા સાથે કે આ હઝલ આપણાં સુતેલા માનસ ને ફરી જગાવશે.

મેલ સઘળી સાન ભા’ છે રાજકારણ,
મૌજ કર સો-વાર ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

છો કકળતાં ભૂખથી શો ફેર એમાં?
રોકડો ભગવાન ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

નાખ રેતી ચણતરોમાં બંધ આંખે,
કામ કર બેસાર ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

સ્વીસ બેંકોમાં કરોડો જન તણું ધન,
રાખ તું ભરમાર ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

આ રમત શતરંજની તારા નિઝામો,
ચાલ પર ધર ધ્યાન ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

શેર માથે થા સવાયો તો ઘણું છે,
વાર પર કર વાર ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

જો વચન તું દે ભરોસો પામવાને,
છોડ તો મજધાર ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

કર ચુનાવી જીત કાજે તું મથામણ,
વોટ નો વેપાર ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

રાખ પડદો રામ, અલ્લાનો સદાયે,
કર “સિફર” બદનામ ભા’ છે રાજકારણ,
મેલ સઘળી સાન……

“સિફર”

Advertisements

છે ગજબ નો…..


આ નગરનો શૂનકારો છે ગજબનો,
ધોધ પણ જો એકધારો છે ગજબનો,
આ નગરનો શૂનકારો……..

છે અજબ આ મતલબી સંસાર કેવો?,
હું મરું ત્યાં હાશકારો છે ગજબનો,
આ નગરનો શૂનકારો……..

જો સરીતામાંજ મુક્તિ હો અગર તો,
પંડિતોનો છાબકારો છે ગજબનો,
આ નગરનો શૂનકારો……..

ને અલખની વાત કરવી હોય તો ગણ,
અંધકારે એકતારો છે ગજબનો,
આ નગરનો શૂનકારો……..

એરણેથી આવતા એ લોહને જો,
મારમારી ટાંકનારો છે ગજબનો,
આ નગરનો શૂનકારો……..

રણ મહીં કો’ જાંજવાની પાર થા તું,

જીતનો સામો કિનારો છે ગજબનો,
આ નગરનો શૂનકારો……..

મોકળું આ મન કરી આવી જરા જો,
આ “સિફર”નો આવકારો છે ગજબનો,
આ નગરનો શૂનકારો……..

“સિફર”

હું સોરઠી કાઠી……


થોડુંક આ રચના વિશે…….
ને વધુમાં કહું તો સૌરાષ્ટ્રનાં કાઠીઓ વિશે જાણીયે……..
સૌરાષ્ટ્રનાં ક્ષત્રિયોમાં કાઠીઓનું આગવુ સ્થાન છે, તેમનાં નામ પરથીજ સૌરાષ્ટ્રને કાઠીયાવાડ પણ કહેવાય છે.
આમતો સૌરાષ્ટ્રની પ્રજા જ બહાદૂર, લડવૈઈ, ખુમારીવાળી પણ કાઠીઓ તેમા પણ મોખરે છે.
ઘણાં કાઠીઓને અફીણનું (કૈફી દ્રવ્ય) બંધાણ હોય છે, જેને કસુંબો નામથી ઓળખાય છે. એને સામસામે અંજળીમાં તાણ કરીકરીને પિવડાવવામાં આવે છે.
તેઓ સૂર્યનાં તેમજ દેવી(માતાજીનાં) ઉપાસક હોય છે.
અને જ્યારે તેઓનો ગરાસ (જાગીર) છીનવાય અથવા કોઇ અનીતી નું કાર્ય તેઓની સાથે થાય ત્યારે તે પ્રદેશનાં રાજા સામે બહારવટુ ખેડતા પણ અચકાય નહિ તેવી તલવાર ને તીલક કરવાવાળી બહાદુર કોમ એટલેજ “કાઠી”.
મારી આ રચનામાં મે એવા સૌરાષ્ટ્રનાં કાઠીઓ વિશે શૌર્ય કાવ્ય રચવાનો નાનો એવો પ્રયત્ન કર્યો છે. એજ આશા સાથે કે આપ આગળની રચનાઓની જેમજ આ રચનાને પણ જરૂર થી બિરદાવશો….

હું સોરઠી કાઠી……

વટ, વચન ને વેર કાજે,
સદાયે થાતો માટી,
લોઢા જેવો પડછંદ બાંધો,
ખમીરવંતી જાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

ખડગ અને ખાંડા ખખડાવી,

બાપે માર્યા વેર વળાવી,
માથાં સાટે માથાં લઈને,
રાખું આંખો રાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

બરછી, ભાલો, તેગ ઉગામી,
તીર અને તલવાર ચલાવી,
તોપનાં મોંએ માથું ઘાલી,
થાતી પહોળી છાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

મકરાણી, આરબ, પઠાણી,
મુલતાની, સિંધી, ખરસાણી,
તેજીલા તોખાર પલાણી,
ખેલંતો હું બાજી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….


સિંધુડાનો નાદ બજાવી,
તરઘાયાનો તાલ સુણાવી,
ગઢવી, ચારણ, ભાટ વખાણી,
કહે સોરઠની લાઠી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

મા-બોનુની લાજ બચાવી,
સત ને ખાતર જાત ખપાવી,
“સિફર” થઈને રક્ષણ કરતી,
ગૌરવવંતી નાતી
હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી…….

“સિફર”

શબ્દાર્થ:-

ખડગ, ખાંડુ,તેગ = તલવાર (કાઠીઓમાં આજેય અમુક સ્થળે વરને સ્થાને એનું ખાંડુ મોકલવાનો રીવાજ છે, જેમાં કન્યાં ખાંડા સાથે ફેરા ફરે છે.)

બરછી = કટારી જેવું છુટ્ટું મારી શકાય એવું હથીયાર ખાસ કરીને કાઠીઓ વાપરે છે.

મકરાણી, આરબ, પઠાણી, મુલતાની, સિંધી, ખરસાણી = આ બધીજ ઘોડાની વિવિધ જાતો છે.

તોખાર = ઘોડો

પલાણી = જ્યાં ઘોડા પર માણસ બેસે તે બેઠકને પલાણ કહેવાય અને પલાણી એટલે ત્યાં બેસી ઘોડું ચલાવવું.
સિંધુડો = રણમાં વગાડવામાં આવતો શરણાઈ નો એક રાગ.

તરઘાયો = રણમાં વગાડવામાં આવતો ઢોલનો એક તાલ.

માધવ દીઠો?


રાધાનાં એ કાળા વાળે, અટવાયેલો માધવ દીઠો?

પાવાનાં સૂરોમાં ભમતો, ખોવાયેલો માધવ દીઠો?

રાધાનાં એ કાળા વાળે………….

શ્રાવણ વદ આઠમની રાતે, કારાવાસે પ્રગટ થઈને,

મામા સંગે જંગે ચડતો, ખીજાયેલો માધવ દીઠો?

રાધાનાં એ કાળા વાળે………….

વનરાવનમાં ગાયો ભેગો, ઝેરી જમનાં મીઠી કરતો,

માતાજીની લાઠી જોઈ, ગભરાયેલો માધવ દીઠો?

રાધાનાં એ કાળા વાળે………….

માખણ માટે મટકી તોડી, ગોપીજનનાં મનડાં મોહી,

રાધા સંગે હોળી રંગે, રંગાયેલો માધવ દીઠો?

રાધાનાં એ કાળા વાળે………….

રાધા ત્યાગી મીરાં સાથે, ઝેરી પ્યાલા મીઠાં કીધાં,

નરસૈંયાનો નટવર નાનો, હરખાયેલો માધવ દીઠો?

રાધાનાં એ કાળા વાળે…………

(“સિફર”)

લઈ ક્યાં ગયાતા?


આપણી સંવેદનાની ઓઢણી લઈ ક્યાં ગયાતા?

ને પલકમાં આંસુઓની અંજળી લઈ ક્યાં ગયાતા?

આપણી સંવેદનાની………

આંખમાંથી આવતા એ બુંદના સોગંધ દઈને,

આંસુઓને લૂછનારી આંગળી લઈ ક્યાં ગયાતા?

આપણી સંવેદનાની………

હરગમોમાં આપની સંગાથ જે ઊભો રહ્યોતો,

રણવચાળે મારવાને સાંઢણી લઈ ક્યાં ગયાતા?

આપણી સંવેદનાની………

દીન થાતા ના દિવસ બાકી રહ્યો મારાં સફર નો,

એ સનમનાં સ્મ્રુતિઓની પોટલી લઈ ક્યાં ગયાતા?

આપણી સંવેદનાની………

રંગ આપ્યો પ્રેમનો છો મૌતને ઓછીનું લઈને,

એ “સિફર”નાં સાથરાની ઓકળી લઈ ક્યાં ગયાતા?

આપણી સંવેદનાની………

“સિફર”