પહેલો વરસાદ….

 

ચાલ સખી આપણ પલળવાને જાઇએ,

પહેલા વરસાદમાં સંગે મળીને,

હાથમાં લઇ હાથ અને રંગે ચડીને,

આપણ બંને જઈ ન્હાઇએ

                                                      ચાલ સખી…….

મીઠા આ મેહ જેવો પ્રીયતમ નો પ્રેમ છે,

તારો હું છું ને સખી તોયે તને વ્હેમ છે,

હૈયાની વાતોને શબ્દે વણીને,

ચાલ એકરૂપ થઈ જાઇએ,

                                                       ચાલ સખી…….

વનડાને મનડાને ઓઢણીના કોડ છે,

લીલુડો રંગ એના કાળજાની કોર છે,

જુગજુગથી ઝંખતી તપતી ધરાની,

તરસ્યુંને આજે બુજાવીએ,

                                                      ચાલ સખી…….

વાંછટથી હૈયું કઈ ભીંજે નહી ને,

થોડામાં મનડું કઈ રીજે નહી રે,

માવઠાને મેલી ને સાંબેલા ધારની,

હેલી મા મનડું પલાળીયે,

                                                       ચાલ સખી…….

વાયરા ઓ વાયરા પાલવને છેડ મા,

ફરકે છે લટ તારી વાહરની લ્હેર મા,

ખોળે સુવાડીને વાળે ટપકતા,

ટીપેથી માથું ભીંજાવીયે.

                                                       ચાલ સખી…….

                                  “સિફર”

Advertisements