મેહુલીયો રે…..

         હારે મેહુલીયો રે…..

મેહુલીયો મારો પરભવનો વેરી,

એણે સુતી જગાડી મને મેલી,

                                                    હારે મેહુલીયો રે…..

 

તારી તે વિજળી જબક જબ જબકે,

આવીને આઘેથી આંખ્યુમાં ખટકે,

રાત્યુંના શમણાંને પડતા મેલાવીને,

જબકી જગાડે મને એવી,

                                                     હારે મેહુલીયો રે…..

અષાઢી વાદળી ગડક ગડ ગડકે,

જાણે પીયુજીની હોકલી ગગડે,

સાયબાની ઘોડલીનાં ડાબલાનાં ભણકારા,

રોજ કરતા રે મુને ઘેલી,

                                                    હારે મેહુલીયો રે…..

હૈયું મારૂ જ્યારે થડક થડ થડકે,

બાળકની જેમ મન ભેટવાને તડપે,

ત્યારે મેરામણ માજા મુકાવીને,

તાણતો જાય એની ભેળી,

                                                        હારે મેહુલીયો રે…..

મેહુલીયો આવ્યો ને ધરતી ભીંજાણી,

કોરી તલાવડીમા ફૂટી સરવાણી,

મારા આ તનમન બેઉ છલકી પડે એવી,

આપી આનંદની હેલી,

હારે મેહુલીયો રે…..

          “સિફર”

Advertisements