Posts from the ‘Gujarati Gazhal’ Category

“તારું ગજુ નથી” (God’s Answer)


“તારું ગજુ નથી” (Answer by God to Me)

 

મારા પ્રણયને પામવું તારું ગજુ નથી,
અંગાર હાથે ઝાલવું તારું ગજુ નથી,

 

આ રૂપને યૌવન મહીં મગરૂબ થઈ છકો,
જાતા સમયને બાંધવું તારું ગજુ નથી,

 

શણગાર તે સારા કિધા નવલા જગત મહીં,
મારી અસરને ખાળવું તારું ગજુ નથી,

 

કો’ ધારણાનાં નામ પર પંડીત બની ગયો,
મારી સમજને આંબવું તારું ગજુ નથી,

 

પાખંડ પણ કેવા કિધા આસ્તિક બની તમે,
તરણા સહારે તારવું તારું ગજુ નથી,

 

બે-ચાર નાની ખોજથી ગ્નાની બની ફરો,
મારા ગણિતને આંકવું તારું ગજુ નથી,

 

પુણ્યો અને પાપો હજી બાકી ઘણાં “સિફર”
સંસાર સાગર લાંઘવું તારું ગજુ નથી,

 

“સિફર”

Advertisements

“તો થાય કૈ”


“તો થાય કૈ”

 

જોમ જો વ્યોમે અડે તો થાય કૈ,
કાં’ તમન્ના ટળવળે તો થાય કૈ,

 

ગુલ અને ગુલશન તમારા હો છતાં,
આંખમાં જો રણ રમે તો થાય કૈ,

 

છો પસરતી ખુશ્બુ તારી ચોતરફ,
માયલો જો મઘમઘે તો થાય કૈ,

 

હોય રડતું પિંજરે પંખી છતાં,
આંખ કોરી કટ મળે તો થાય કૈ,

 

પાસ આવીને અધર સ્પર્શ્યા જ ત્યાં,
લાગણી ખૂટી પડે તો થાય કૈ,

 

કામ આવે ના કદી હથિયાર પણ,
વીર ને પોરસ ચડે તો થાય કૈ,

 

આમ કાં’ આગળ ધરો બખ્તર “સિફર”,
ઘાવ ખુદ છાતી જીલે તો થાય કૈ.

 

“સિફર”

“શું દઉ તને?”


શું દઉ તને?

તારા વિરહનાં વ્યાસની પળપળ શું દઉ તને?

ઠુંઠા થયેલા વ્રુક્ષનાં ઉપવન શું દઉ તને?

પાછી ફરેલી લાગણીની શી દશા કરી?

અત્તર નિચોવી ફૂલનાં કણકણ શું દઉ તને?

સંબંધનો આ તાંતણો ના તાણજો તમે,

વચમાં પડે જો ગાંઠ તો સમજણ શું દઉ તને?

ખાલી પડેલા અસ્તબલમાં ડાબલા થયાં,

હોંકાર કે ભણકારની ધડબડ શું દઉ તને?

મળ્યા પછીની તિક્તતા ના પાલવે “સિફર”,

ખાલી હ્રદયની રિક્તતા મણમણ શું દઉ તને?

“સિફર”

“ઘનઘોરતા…”


“ઘનઘોરતા…”

છે અહીં ઘનઘોરતા વાતાવરણમાં,

તે છતાં હું શૂન્યતા કેરી અસરમાં

આજ મારા હાથની રેખા જ કે’શે,

કોણ છે એ નામ જે આવે રટણમાં,

આંખનાં આ ભાવને હું શે છુપાવું,

દર્પણે આવું અને ભીંજુ શરમમાં,

વાદળી વરસે પછી તો થાય જન્નત,

છાપ પગલાની મળે આખી મજલમાં,

રંગ સંધ્યાનો બરોબર મેળ ખાતો,

સેંથીનું સિંદુર “સિફર” ભાલે તિલકમાં

                        “સિફર”

“દ્વાર“ (ગઝલનું જ એક રૂપ “તસ્બી”)


“દ્વાર“

(ગઝલનું જ એક રૂપ “તસ્બી”)

તું “સિફર” નો દ્વાર ખખડાવે અને,

જાંજવા ઝાકળમાં પલટાવે અને,

વાંસળી હોઠે ધરીને હું ઉભો,

તું મધૂરા સૂર છલકાવે અને,

મન મુકીને રાસ રમવાને સખી,

કો’ અનોખા સાઝ વગડાવે અને,

દઇ હથેળી આજ મારા હાથમાં,

બેઉની તકદીર સરખાવે અને,

બંધ રાખી બારણાંને બારીઓ,

પ્રેમભીંની રાત સરજાવે અને,

પાંગરે છે વેલ જ્યારે પ્રેમની,

મોહિની કો’ જાળ વિટળાવે અને,

મોહિની કો’ જાળ વિટળાવે અને,

તું “સિફર” નો દ્વાર ખખડાવે અને,

“સિફર”

“અલવિદા”


“અલવિદા”

મને આજેય આનંદ આપણા અંતર મળ્યાનો છે,

સિતમગર ખુદ સિતમ છોડી સનમ જેવા બન્યાનો છે,

લગીરે ઘાવ ક્યાં દીઠા અમારી પીઠમાં કો’એ?

મને અફસોસ કેવળ પીઠ પર દ્રષ્ટી રહ્યાનો છે,

વિતાવી જિંદગી આખી તમારા મૌન ની સાથે,

હવે છેલ્લો વખત તો અલવિદા જેવું કહ્યાનો છે,

પવન ની લ્હેર આવે તો જરી હું પણ તને જોઉં,

ફકત એક મોહ ખાપણ નાં જરી આઘા ખસ્યાનો છે,

ગુલાબી ઈત્ર છાંટીને લપેટી રેશમી કપડે,

સમય સજદા કરીને ખાખની સાથે ભળ્યાનો છે,

જનાજો બાર કાઢો ત્યાં મલાજો રાખજો થોડો,

દબાવી અશ્રુ હૈયે સ્મિતને મુંગે સહ્યાનો છે,

“સિફર” ની આ ઘડી પાછી જીવનમાં નહી કદી આવે,

દફન દિલમાં કરીને યાદમાં પાછા વળ્યાનો છે,

“સિફર”

“સમાધી”


“સમાધી”

“યુગોની અનેકે લગાવી સમાધી,
અને ચેતનાથી પચાવી સમાધી

હકીકી, મિજાજી, ભુલાવે સમસ્તી,
સમર્પણ કરીને જગાવી સમાધી

સજે સેજ રજની વિતે સંગ સજની,
સુમનની સુવાસે સજાવી સમાધી

મરણની પછી પણ સજીવન થયેલો,
તમારા હ્રદયમાં બનાવી સમાધી

સુરાલય મહીં જ્યાં “સિફર” ખુદ ગયા ત્યાં,
ફકત એક જામે કરાવી સમાધી…..

“સિફર”