“અલવિદા”


“અલવિદા”

મને આજેય આનંદ આપણા અંતર મળ્યાનો છે,

સિતમગર ખુદ સિતમ છોડી સનમ જેવા બન્યાનો છે,

લગીરે ઘાવ ક્યાં દીઠા અમારી પીઠમાં કો’એ?

મને અફસોસ કેવળ પીઠ પર દ્રષ્ટી રહ્યાનો છે,

વિતાવી જિંદગી આખી તમારા મૌન ની સાથે,

હવે છેલ્લો વખત તો અલવિદા જેવું કહ્યાનો છે,

પવન ની લ્હેર આવે તો જરી હું પણ તને જોઉં,

ફકત એક મોહ ખાપણ નાં જરી આઘા ખસ્યાનો છે,

ગુલાબી ઈત્ર છાંટીને લપેટી રેશમી કપડે,

સમય સજદા કરીને ખાખની સાથે ભળ્યાનો છે,

જનાજો બાર કાઢો ત્યાં મલાજો રાખજો થોડો,

દબાવી અશ્રુ હૈયે સ્મિતને મુંગે સહ્યાનો છે,

“સિફર” ની આ ઘડી પાછી જીવનમાં નહી કદી આવે,

દફન દિલમાં કરીને યાદમાં પાછા વળ્યાનો છે,

“સિફર”

Advertisements

“સમાધી”


“સમાધી”

“યુગોની અનેકે લગાવી સમાધી,
અને ચેતનાથી પચાવી સમાધી

હકીકી, મિજાજી, ભુલાવે સમસ્તી,
સમર્પણ કરીને જગાવી સમાધી

સજે સેજ રજની વિતે સંગ સજની,
સુમનની સુવાસે સજાવી સમાધી

મરણની પછી પણ સજીવન થયેલો,
તમારા હ્રદયમાં બનાવી સમાધી

સુરાલય મહીં જ્યાં “સિફર” ખુદ ગયા ત્યાં,
ફકત એક જામે કરાવી સમાધી…..

“સિફર”

“કરી બેઠો”


“કરી બેઠો”

“પરીચય છે નિયમનો પણ, અકલ્પી કળ કરી બેઠો,
સફળતા પામવા હું એટલુ જોખમ કરી બેઠો,

અજાણ્યા માર્ગ પર મળતા, અજાણ્યા જણ ઘણા કિંતુ,
ફકત કો’ એક વ્યક્તિ પર નિછાવર મન કરી બેઠો,

લગીરે આશ રાખત ના, તમારા આવવાની પણ,
તમોને જાણવા ખાતર, સ્વયમથી છળ કરી બેઠો,

ફરીને પીઠ દેખાડી, છતાં અણસાર ના આપ્યો,
તમારા આવવાના માનમાં ઉત્સવ કરી બેઠો,

“સિફર” તે પણ ખરી કીધી, કશો વિદ્રોહ ના કર્યો,
ખુદા ખુદ પાડ માને એમ કાં આખર કરી બેઠો?

“સિફર”

“પ્રતિબિંબ”


“પ્રતિબિંબ”

“ જે હતા અમારી નજીક સૌ,તે થયાં પરાયા શરીફ સૌ,

આ જીગર પરસ્તી ઘણી નડી, દુશ્મનો જ રાખ્યા સજીવ સૌ,

કેદમાં તમારી નથી છતાં, મે હજી ઉતાર્યા ન બંધનો,

કાં હશે અધૂરી મનોવ્યથા, કાં હશે અકલ્પ્યા નસીબ સૌ,

જે ન થોભતો કે ન હારતો, એ સમય તણો આમ ફેંસલો,

સુર્ય જ્યાં થતો મ્હાત રાતનાં, ત્યાં જુગનુ સરીખા હરીફ સૌ,

બિંદુમાં ડુબી જાવ છે મજા, ના કરો પ્રયત્નો તરાવવા,

શાંત સિંધુને થપ-થપાવતા, પ્રતિબિંબ થાશે અજીબ સૌ,

મૃત્યુનો સમય જ્યાં નજીક હો, શોકમાં હશે ત્યાં સગા-સખા,

લાશ જ્યાં “સિફર”ની હસી રહી, ત્યાં જ રોઈ પડશે ઘડીક સૌ.”

“સિફર”

“ત્યારથી બસ”


“ત્યારથી બસ”

 

કાન રાખી સાંભળેલું ત્યારથી બસ,
આ હ્રદયમાં કો’ વસેલું ત્યારથી બસ,

 

લાગણીનાં છોડ પણ કેવા ઉગેલા ?
પ્રીત જેવું પાંગરેલું ત્યારથી બસ,

 

કો’ નશા જેવુંજ લાગે છે હવામાં,
લોહી સાથે જઈ મળેલું ત્યારથી બસ,

 

સાગરે લાંઘી ન મર્યાદા કદીયે,
છીંપ પર તે હા લખેલું ત્યારથી બસ,

 

ને પછીતો શેષમાં કેવળ “સિફર” છે,
જળ મહીં જ્યાં જળ ભળેલું ત્યારથી બસ,

 

“સિફર”

“કબાલા”


“કબાલા”

 

અશ્રુભીંની આંખમાં પલ પલ કબાલા,
ને વિરહની રાતનાં ક્ષણ ક્ષણ કબાલા

 

સંચરે ચોમેર બસ તારી જ ફોરમ,
શ્વાસ સાથે જઇ ભળે મઘ મઘ કબાલા

 

ને કદાચે સ્પર્શ તારો જો ન પામું,
તો નજરનાં જામનાં ટગ ટગ કબાલા

 

એ શહેરમાં જઇ ચડું જ્યાં સ્મિત તારું,
રેતની માફક સરે સર સર કબાલા

 

યાદ તારી જો બરફ જેવી ઠરી ગઇ,
તો “સિફર” થૈ ઓગળે ટપ ટપ કબાલા

 

“સિફર”

 

શબ્દાર્થ :-
કબાલા – હપ્તા ( સમયાંતરે ચૂકવવામાં આવતી કિંમ્મત)

“કો’ નામ અંગત…”


“કો’ નામ અંગત…”

 

હાથ ઝાલી હાથમાં ફરતા રહો તો,
શૂન્ય થઈને આંખમાં તરતા રહો તો,

 

સાવકોરી અંજલીમાં રંગ લઈને,
લે ઉછાળું આભમાં રમતા રહો તો,

 

આ હ્રદયમાં વિસ્તરે તારી જ યાદો,
ભીંતરે બસ ભીંતરે સરતા રહો તો,

 

લે બધી ઈચ્છા મુકી જે, છે મિજાજી,
બસ અધૂરી આશ કે હસતા રહો તો,

 

ને મળે યાદી મહીં કો’ નામ અંગત,
જો “સિફર” ઝખ્મો તમે ખણતા રહો તો,

 

“સિફર”